Anjar Murder Case: વરસામેડીના લખ્ખુભાઈની હત્યાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો, પત્નીના પ્રેમીની ધરપકડ

Anjar Murder Case: કચ્છના અંજાર તાલુકાના વરસામેડી ગામમાં લખ્ખુભાઈ નામના વ્યક્તિની હત્યાના ચકચારી બનાવનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. આ મામલે અંજાર પોલીસે મૃતકની પત્ની સાથે પ્રેમસંબંધ ધરાવતા દિનેશ રાયધણભાઈ ઠાકોરની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પ્રેમસંબંધની જાણ લખ્ખુભાઈને થઈ જતાં આરોપીને પોતાનો જીવ જોખમમાં હોવાની બીક લાગી હતી અને તેના કારણે તેણે હત્યાનું કાવતરું ઘડ્યું હતું.
મળતી માહિતી મુજબ, દિનેશ ઠાકોર અને લખ્ખુભાઈની પત્ની વચ્ચે પ્રેમસંબંધ હતો. આ સંબંધની જાણ લખ્ખુભાઈને થઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, દિનેશને ડર હતો કે લખ્ખુભાઈ આ બાબતને લઈને તેને મારી નાખશે. આ ભયના કારણે તેણે લખ્ખુભાઈને જ રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવ્યો હોવાની તપાસમાં માહિતી સામે આવી છે.
મોડી રાત્રે ઘરે બોલાવી હુમલો કર્યો
હત્યાના દિવસે દિનેશે મોડી રાત્રે લખ્ખુભાઈને કામના બહાને પોતાના ઘરે બોલાવ્યા હતા. બંને વચ્ચે વાતચીત ચાલી રહી હતી ત્યારે દિનેશે પાછળથી લખ્ખુભાઈના માથાના ભાગે લોખંડના રોડ વડે હુમલો કર્યો હતો. પોલીસે કરેલી તપાસ પ્રમાણે, માથાના પાછળના ભાગે બે-ત્રણ ઘા મારવામાં આવતા લખ્ખુભાઈનું મોત થયું હતું.
હત્યાને અંજામ આપ્યા બાદ દિનેશે મૃતદેહનો નિકાલ કરવાનો પ્રયાસ કર્યો હતો. તે લાશને તળાવમાં નાખવા માટે લઈ ગયો હતો, પરંતુ એકલા હાથે મૃતદેહ ઉપાડી શક્યો ન હતો. ત્યારબાદ તેણે લાશને છુપાવવા માટે વધુ ગંભીર પગલું ભર્યું હતું.
હેક્સો બ્લેડથી લાશના બે ટુકડા કર્યા
પોલીસ તપાસ મુજબ, દિનેશે પોતાના ઘરમાં રહેલા હેક્સો બ્લેડનો ઉપયોગ કરીને મૃતદેહના બે ટુકડા કરી નાખ્યા હતા. ત્યારબાદ બંને ટુકડાને અલગ-અલગ પ્લાસ્ટિકના કોથળામાં પેક કર્યા હતા.
આ બંને કોથળા દિનેશે એક પછી એક વરસામેડી ગામના તળાવમાં ફેંકી દીધા હતા. જોકે, લાશના બંને ભાગ તળાવમાં સંપૂર્ણ રીતે છુપાઈ શક્યા નહોતા. તળાવના કિનારે બે અલગ-અલગ કોથળામાં મૃતદેહના ભાગ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
પોલીસને ગેરમાર્ગે દોરવાનો પણ પ્રયાસ
હત્યાની ઘટના બાદ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે આરોપીએ મૃતકનો મોબાઈલ ફોન પણ વરસામેડી હાઈવે નજીક આવેલા કાચા રસ્તા પર ફેંકી દીધો હતો. પોલીસને શંકા છે કે તપાસને બીજી દિશામાં લઈ જવા માટે મોબાઈલ ફોન જાણી જોઈને ત્યાં ફેંકવામાં આવ્યો હતો.
મૃતદેહના ભાગો મળી આવ્યા બાદ અંજાર પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમોએ તપાસ શરૂ કરી હતી. પોલીસે મૃતક સાથે જોડાયેલા લોકો ઉપરાંત આસપાસના વિસ્તારમાં પણ પૂછપરછ શરૂ કરી હતી.
આ પણ વાંચો: Kutch Vehicle Blast Tragedy: નખત્રાણામાં છોટા હાથીમાં ભયાનક બ્લાસ્ટ, બે ભાઈ અને બે માસૂમ સહિત ચારનાં મોત
હ્યુમન સોર્સની માહિતીથી દિનેશ પર શંકા ગઈ
તપાસ દરમિયાન પોલીસને હ્યુમન સોર્સ પાસેથી મહત્વની માહિતી મળી હતી. આ માહિતીના આધારે દિનેશ રાયધણભાઈ ઠાકોર પર શંકા જતા પોલીસે તેની પૂછપરછ શરૂ કરી હતી.
પોલીસની પૂછપરછ દરમિયાન દિનેશે કથિત રીતે હત્યાની કબૂલાત આપી હતી. ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દિનેશ રાયધણભાઈ ઠાકોર મૂળ પલાસવા ગામ, તાલુકો રાપરનો રહેવાસી છે અને હાલ વરસામેડી ખાતે રહે છે.
આ મામલે અંજાર પોલીસ સ્ટેશનમાં BNS કલમ 103(1), 238(A) તેમજ જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
વરસામેડીની આ ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી સુધી પહોંચી જઈ કેસનો ભેદ ઉકેલતા સમગ્ર વિસ્તારમાં આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે.