આંબરડી સફારી પાર્ક (Ambardi Safari Park) ગીરની પ્રકૃતિ, વન્યજીવો અને સિંહોની દુનિયાનો અનોખો અનુભવ

Ambardi Safari Park એટલે ગીરની પ્રકૃતિને નજીકથી માણવાની એક સરસ જગ્યા. ધારીથી થોડા જ અંતરે આવેલું આ સ્થળ જંગલ, નદી, વન્યજીવો અને કુદરતી સૌંદર્યનો એવો સંગમ છે કે અહીં આવનારને ગીરના જંગલની સાચી અનુભૂતિ થાય છે. જો તમે શાંતિભર્યા વાતાવરણમાં પ્રકૃતિની વચ્ચે થોડો સમય પસાર કરવા માંગતા હો, તો આંબર્ડી સફારી પાર્ક મુલાકાત લેવા જેવી જગ્યા છે.
ક્યાં આવેલું છે (Ambardi Safari Park) આંબર્ડી સફારી પાર્ક?
આંબર્ડી સફારી પાર્ક ધારીથી આશરે 7 કિલોમીટરના અંતરે આવેલો છે. આ વિસ્તાર ગીરના સંરક્ષિત જંગલ વિસ્તારનો ભાગ છે અને આંબર્ડી ગામ નજીક શેત્રુંજી નદીના કાંઠે આવેલો છે. અહીંની જમીન ક્યાંક ઢાળવાળી તો ક્યાંક નાના ટેકરા જેવી છે, જેના કારણે જંગલનું કુદરતી દૃશ્ય એકદમ અલગ જ લાગે છે.
આ વિસ્તારની નજીક પાણીનો મોટો જળાશય અને ખોડિયાર માતાનું મંદિર પણ આવેલાં હોવાથી અહીં પ્રકૃતિની સાથે ધાર્મિક સ્થળની મુલાકાતનો અનુભવ પણ મેળવી શકાય છે.
આંબર્ડીનું જંગલ કુદરતી સંપત્તિથી સમૃદ્ધ
આંબર્ડીનો જંગલ માત્ર સિંહ જોવા માટે જ જાણીતો નથી, પરંતુ અહીં જોવા મળતી વનસ્પતિ અને જીવસૃષ્ટિ પણ તેની ખાસ ઓળખ છે. અહીં 606થી વધુ વનસ્પતિ પ્રજાતિઓ, 39 જેટલી સસ્તન પ્રાણીઓની પ્રજાતિઓ, 300થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ, 37 જેટલી સરિસૃપ પ્રજાતિઓ અને 2,000થી વધુ પ્રકારના જીવજંતુઓ જોવા મળ્યાનો ઉલ્લેખ કરવામાં આવે છે.
આટલી મોટી કુદરતી વિવિધતા જ આ વિસ્તારને વન્યજીવો માટે અનુકૂળ રહેઠાણ બનાવે છે. અહીંના વૃક્ષો, ઝાડીઓ, પાણીના સ્ત્રોતો અને જંગલની જમીન મળીને અનેક પ્રાણીઓ તથા પક્ષીઓને જીવન જીવવા માટે જરૂરી વાતાવરણ પૂરું પાડે છે.
જંગલમાં જોવા મળતી વનસ્પતિ
આંબર્ડી સફારી પાર્કના જંગલમાં સ્થાનિક વાતાવરણને અનુકૂળ અનેક પ્રકારનાં વૃક્ષો અને વનસ્પતિ જોવા મળે છે. અહીં ખેર, સાદડ, તિમરુ, દેશી બાવળ, કડાયો, સેમળો, બો, ગોરડ, હેતરો, ખાખરો, લાપડું, રતાડ, જિંજવો અને શણિયાર સહિતની વિવિધ વનસ્પતિ જોવા મળે છે.
આ વૃક્ષો જંગલની હરિયાળી જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સાથે સાથે વન્યજીવોને ખોરાક, છાંયો અને સુરક્ષિત આશ્રય પણ આપે છે. વરસાદી મોસમ પછી આ જંગલની હરિયાળી અને કુદરતી સુંદરતા ખાસ આકર્ષક બની જાય છે.
આંબરડી સફારીમાં કયા વન્યજીવો જોવા મળે છે?
આંબર્ડીના જંગલમાં અનેક પ્રકારના વન્યજીવો વસવાટ કરે છે. જંગલની વિવિધતા અને અહીં ઉપલબ્ધ કુદરતી સંસાધનોને કારણે અનેક પ્રાણીઓ માટે આ વિસ્તાર અનુકૂળ છે.
અહીં જોવા મળતા મુખ્ય વન્યજીવોમાં:
- એશિયાટિક સિંહ
- દીપડો
- ચિંકારા
- નીલગાય
- ચિતલ
- શાહુડી
જેવા પ્રાણીઓનો સમાવેશ થાય છે.
જંગલમાં સફારી દરમિયાન પ્રાણીઓ જોવા મળે કે નહીં તે તેમની કુદરતી હિલચાલ, સમય અને પરિસ્થિતિ પર આધાર રાખે છે. એટલે જ જંગલ સફારીનો આનંદ માત્ર પ્રાણીઓના દર્શન પૂરતો નથી, પરંતુ જંગલના વાતાવરણને નજીકથી અનુભવવાનો પણ છે.
પક્ષીઓની દુનિયા પણ છે એટલી જ રસપ્રદ
આંબર્ડી જંગલ પક્ષીપ્રેમીઓ માટે પણ ખૂબ રસપ્રદ સ્થળ છે. અહીં અલગ અલગ પ્રકારનાં પક્ષીઓ જોવા મળે છે. પોપટ, લક્કડખોદ, મૈના, ફ્લાયકેચર, બી-ઈટર, વૉરબ્લર, મોર અને શિકારી પક્ષીઓ સહિત અનેક પક્ષીઓ આ વિસ્તારમાં જોવા મળે છે.
વહેલી સવારના સમયે જંગલમાં પક્ષીઓનો કલરવ, વૃક્ષો પર તેમની હલચલ અને ખુલ્લા વાતાવરણમાં ઉડતાં પક્ષીઓ જોવાનો અનુભવ એકદમ યાદગાર બની શકે છે. ફોટોગ્રાફી અને કુદરતને નિહાળવામાં રસ ધરાવતા લોકો માટે પણ આ વિસ્તાર ખાસ આકર્ષણ ધરાવે છે.
એશિયાટિક સિંહ ગીરની ઓળખ અને ગૌરવ
ગીર અને સૌરાષ્ટ્રનું નામ આવે એટલે સૌથી પહેલાં યાદ આવે જંગલનો રાજા એશિયાટિક સિંહ. એક સમયે એશિયાટિક સિંહનો વિસ્તાર ઈરાનથી લઈને ઉત્તર ભારતના અનેક પ્રદેશો સુધી ફેલાયેલો હતો. પરંતુ બેફામ શિકાર અને જંગલો ઘટવાને કારણે આ સિંહો મોટા ભાગના વિસ્તારોમાંથી લુપ્ત થઈ ગયા અને તેમનું અસ્તિત્વ માત્ર ગીર વિસ્તારમાં જ બચ્યું.
વર્ષ 1913 આસપાસ જૂનાગઢના નવાબ અને તત્કાલીન વહીવટીતંત્રને સિંહોની સંખ્યા ખૂબ જ ઓછી થઈ રહી હોવાની ગંભીરતા સમજાઈ. ત્યારબાદ સિંહોના શિકાર પર પ્રતિબંધ મૂકવા સહિતના સંરક્ષણ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા. વન વિભાગની કામગીરી અને સૌરાષ્ટ્રના લોકોના સહયોગથી ધીમે ધીમે સિંહોની સંખ્યામાં વધારો થવા લાગ્યો.
આજે એશિયાટિક સિંહ માત્ર ગીરના મુખ્ય જંગલ પૂરતા સીમિત નથી રહ્યા. તેઓ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ફેલાયેલા છે. જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, બોટાદ, જામનગર અને પોરબંદર સહિતના આઠ જિલ્લાઓમાં સિંહોની હાજરી નોંધાય છે. આ વિસ્તરેલા કુદરતી વિસ્તારને Asiatic Lion Landscape તરીકે ઓળખવામાં આવે છે.
સિંહોની આ વધતી હાજરી એ વાતનો પુરાવો છે કે યોગ્ય સંરક્ષણ, કુદરતી રહેઠાણનું જતન અને લોકોનો સહયોગ મળે તો લુપ્ત થવાના જોખમમાં રહેલી પ્રજાતિઓને પણ બચાવી શકાય છે.
આ પણ વાંચો: Vantara શા માટે છે અનોખું? કરુણા અને આધુનિક ટેક્નોલોજી સાથે વન્યજીવ સંરક્ષણને નવી દિશા
આંબર્ડી સફારી પાર્ક કેવી રીતે પહોંચવું?
આંબર્ડી સફારી પાર્ક સુધી રોડ, રેલવે અને હવાઈ માર્ગે પહોંચી શકાય છે. ધારી અને વિસાવદર વિસ્તારથી અહીં પહોંચવું સરળ પડે છે.
| મુસાફરીનો માર્ગ | નજીકનું સ્થળ | અંદાજિત અંતર |
|---|---|---|
| બસ / રોડ | વિસાવદર બસ સ્ટેશન | 10 કિમી |
| રેલવે | વિસાવદર રેલવે સ્ટેશન | 10 કિમી |
| હવાઈ માર્ગ | રાજકોટ એરપોર્ટ | 150 કિમી |
| હવાઈ માર્ગ | અમદાવાદ એરપોર્ટ | 300 કિમી |
આંબર્ડી સફારી પાર્કની મુલાકાત કેમ લેવી?
જો તમને ગીરનું જંગલ, વન્યજીવો, પક્ષીઓ અને કુદરતી વાતાવરણ ગમતું હોય તો આંબર્ડી સફારી પાર્ક એક સારી પસંદગી બની શકે છે. અહીં શહેરના ઘોંઘાટથી દૂર જંગલની શાંતિનો અનુભવ કરી શકાય છે. જંગલનું કુદરતી સૌંદર્ય, વિવિધ પ્રાણીઓ, પક્ષીઓ અને ગીરના સિંહોની ધરોહર આ સ્થળને ખાસ બનાવે છે.
સૌરાષ્ટ્રમાં ફરવા નીકળ્યા હો અને ધારી અથવા ગીર વિસ્તારની મુલાકાત લેવાનું આયોજન હોય, તો Ambardi Safari Park ને તમારા પ્રવાસમાં સામેલ કરી શકાય. કુદરતને માણવા, પરિવાર સાથે સમય પસાર કરવા અને ગીરની જંગલી દુનિયાને નજીકથી સમજવા માટે આ સ્થળ ખરેખર યાદગાર બની શકે છે.
આ પણ વાંચો: ધોળાવીરા (Dholavira)-કચ્છની ધરતી પર 4,500 વર્ષ જૂની હડપ્પીય સંસ્કૃતિનો અદ્ભુત વારસો