Diljit Dosanjh Ahmedabad Concert: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દિલજીતના સંગીતનો જાદુ, દેશભરમાંથી ચાહકો અમદાવાદ પહોંચ્યા

Diljit Dosanjh Ahmedabad Concert ને લઈને અમદાવાદમાં આજે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પંજાબી ગાયક દિલજીત દોસાંઝના લાઈવ કોન્સર્ટને માણવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા છે. દિલજીતના ગીતો પર ઝૂમવા અને લાઈવ પરફોર્મન્સ માણવા માટે ગુજરાત ઉપરાંત દેશના અનેક શહેરોમાંથી લોકો અમદાવાદ આવ્યા છે. કોન્સર્ટને લઈને સુરક્ષાનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે, જ્યારે મોટેરા વિસ્તારના કેટલાક રસ્તાઓ પર ટ્રાફિક નિયંત્રણ પણ લાગુ કરાયું છે.
અમદાવાદમાં દિલજીતના કોન્સર્ટનો જબરદસ્ત ક્રેઝ
દિલજીત દોસાંઝનું નામ આવે એટલે પંજાબી મ્યુઝિક, ભાંગડા અને મસ્તીના માહોલની વાત જ અલગ હોય છે. અમદાવાદમાં યોજાઈ રહેલા આ કોન્સર્ટને લઈને પણ ચાહકોમાં એવો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોઈ મિત્રો સાથે આવ્યું છે તો કોઈ પરિવાર સાથે આ મ્યુઝિકલ સાંજ માણવા પહોંચ્યું છે.
દિલજીતના ગીતોનો આનંદ માણવા દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, પુણે, પંજાબ સહિતના અનેક શહેરોમાંથી પ્રશંસકો અમદાવાદ આવ્યા છે. સ્ટેડિયમની બહાર પણ ચાહકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પંજાબથી આવેલા કેટલાક પ્રશંસકો ભાંગડા કરીને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં કોન્સર્ટ પહેલાંથી જ ઉત્સવ જેવો માહોલ જામ્યો છે.
બપોર બાદ ચાહકો માટે પ્રવેશ વ્યવસ્થા
કોન્સર્ટમાં હાજરી આપવા આવેલા લોકોને સ્ટેડિયમમાં પ્રવેશ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. બપોરે 3 વાગ્યા બાદ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં જ મોટી સંખ્યામાં લોકો સ્થળ પર પહોંચી જતા આસપાસના વિસ્તારમાં ચહલપહલ વધી ગઈ હતી.
સુરક્ષા માટે 2,000થી વધુ પોલીસકર્મીઓ તૈનાત
આટલી મોટી સંખ્યામાં લોકો એકઠા થવાના હોવાથી અમદાવાદ પોલીસ દ્વારા સુરક્ષાને લઈને ખાસ આયોજન કરવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર અને બહાર મળીને 2,000થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
DCP, ACP, PI અને PSI સહિતના પોલીસ અધિકારીઓ સમગ્ર વ્યવસ્થાની દેખરેખ રાખી રહ્યા છે. કોઈ અણધારી ઘટના ન બને અને લોકો સરળતાથી કાર્યક્રમમાં આવી શકે તેમજ કોન્સર્ટ પૂર્ણ થયા બાદ સુરક્ષિત રીતે પરત ફરી શકે તે માટે પોલીસ દ્વારા અલગ-અલગ સ્તરે આયોજન કરવામાં આવ્યું છે.
મોટેરા વિસ્તારમાં ટ્રાફિક ડાયવર્ઝન લાગુ
કોન્સર્ટને કારણે મોટેરા અને સ્ટેડિયમ આસપાસના કેટલાક રસ્તાઓ પર વાહનવ્યવહારને લઈને નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. જનપથ ટીથી સ્ટેડિયમ ગેટ સુધી તેમજ કૃપા રેસિડેન્સી ટીથી મોટેરા ગામ ટી તરફના માર્ગ પર વાહનોની અવરજવર બંધ રાખવામાં આવી છે.
તપોવન સર્કલથી પ્રબોધરાવળ સર્કલ તરફ જતાં વાહનોને ભાટ-કોટેશ્વર રોડ થઈ એપોલો સર્કલ તરફ વાળવામાં આવી રહ્યા છે. આ ટ્રાફિક વ્યવસ્થા કોન્સર્ટ પૂર્ણ થાય ત્યાં સુધી લાગુ રહેશે. જોકે, ઇમરજન્સી વાહનો અને સ્થાનિક રહેવાસીઓ માટે જરૂરી છૂટછાટ રાખવામાં આવી છે.
દિલજીતનાં ચાર ગીતો સામે પ્રોફેસરે નોંધાવ્યો વિરોધ
કોન્સર્ટની તૈયારીઓ અને ચાહકોના ઉત્સાહ વચ્ચે એક અલગ મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે. ચંદીગઢથી આવેલા એક પ્રોફેસરે દિલજીત દોસાંઝનાં ચાર ગીતો સામે વાંધો ઉઠાવી વિરોધ નોંધાવ્યો છે. તેમણે આ ગીતો અંગે ચાઇલ્ડ પ્રોટેક્શન ઓફિસરને ફરિયાદ કરી હતી.
આ ફરિયાદ બાદ પોલીસ કમિશનર દ્વારા તપાસની જવાબદારી સોંપવામાં આવી છે. મોટેરા પોલીસે ફરિયાદ કરનાર પ્રોફેસરને પણ જવાબ આપવા માટે બોલાવ્યા હતા. પ્રોફેસરે ગીતો સંબંધિત બાબતોનું પાલન કરવાની માગ કરી છે અને જરૂર પડે તો ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવાની વાત પણ કરી છે.
સંગીત, ભાંગડા અને મસ્તીની રાત માટે તૈયાર અમદાવાદ
આજે અમદાવાદમાં દિલજીત દોસાંઝના કોન્સર્ટને કારણે સંગીતપ્રેમીઓમાં અલગ જ ઉત્સાહ છે. દેશના અલગ-અલગ ભાગોમાંથી આવેલા ચાહકો માટે આ માત્ર એક કોન્સર્ટ નહીં, પરંતુ પોતાના મનપસંદ કલાકારને લાઈવ જોવાનો ખાસ અનુભવ બની રહ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબી ગીતો, ભાંગડા અને ચાહકોની તાળીઓ વચ્ચે સંગીતની યાદગાર સાંજ જામવાની છે.
આ પણ વાંચો: Gujarat History: ગુજરાતના ઇતિહાસની સૌથી કરુણ દરિયાઈ દુર્ઘટના, 750 મુસાફરો સાથે દરિયામાં સમાઈ ગઈ ‘વીજળી