Lion Attack In Nandarkh Una: ઉનાના નાંદરખમાં ઓસરીમાં સૂતેલા 70 વર્ષના વૃદ્ધ પર સિંહનો હુમલો, છ દિવસમાં બીજી ઘટના

Lion Attack In Nandarkh Una: ઉના તાલુકાના નાંદરખ ગામમાં સિંહની રંજાડ વચ્ચે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામના ઉત્તરવાડી વિસ્તારમાં વહેલી સવારે ઓસરીમાં સૂઈ રહેલા 70 વર્ષના વૃદ્ધ ભૂપત ગોહિલ પર અચાનક સિંહે હુમલો કરી દીધો હતો. સિંહે વૃદ્ધને સાથળના ભાગેથી પકડીને ફળિયામાં પછાડી દીધા હતા. જોકે, ભૂપતભાઈએ હિંમત કરીને બૂમાબૂમ કરતાં અને પરિવારજનો જાગી જતાં સિંહ ત્યાંથી ભાગી ગયો હતો. આ ઘટનામાં વૃદ્ધને ઈજા થઈ છે અને તેમને સારવાર માટે ઉના સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
સૌથી ચિંતાજનક વાત એ છે કે નાંદરખ વિસ્તારમાં છેલ્લા છ દિવસમાં સિંહના હુમલાની આ બીજી ઘટના હોવાનું સામે આવ્યું છે. એક પછી એક આવી ઘટનાઓ બનતાં વાડી વિસ્તારમાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
સિંહે હુમલો કર્યો કે નહીં તે અંગે વન વિભાગને હતી શંકા
ભૂપત ગોહિલને ઈજા થતાં પરિવારજનો તેમને તાત્કાલિક ઉના સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. તેમની સાથે ફોરેસ્ટર અને વેટરનિટી તબીબ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.
શરૂઆતમાં વન વિભાગને એવી શંકા હતી કે વૃદ્ધને થયેલી ઈજા સિંહના હુમલાથી થઈ છે કે કેમ. ત્યારબાદ વેટરનિટી તબીબે ઈજાના નિશાનની બારીકાઈથી તપાસ કરી હતી. મેજર ટેપની મદદથી ઈજાના નિશાન માપવામાં આવ્યા હતા. તપાસ બાદ તબીબે જણાવ્યું હતું કે ભૂપતભાઈ પર સિંહે જ હુમલો કર્યો હોવાનું જણાય છે.
‘હાકલો કરતાં સિંહ પછાડીને ભાગી ગયો’
હુમલા અંગે ભૂપતભાઈ ગોહિલે જણાવ્યું હતું કે નાંદરખ અને આસપાસના વિસ્તારમાં ઘણા વર્ષોથી સિંહોની અવરજવર છે. તેમણે કહ્યું કે થોડા દિવસ પહેલાં જ તેમના ભાઈના દીકરા અજયસિંહ પર પણ સિંહે હુમલો કર્યો હતો.
ભૂપતભાઈના જણાવ્યા મુજબ, તેઓ ઘરની ઓસરીમાં સૂતા હતા ત્યારે અચાનક સિંહ આવી પહોંચ્યો હતો. સિંહે તેમને સાથળથી પકડીને ફળિયામાં પછાડી દીધા હતા. આ સમયે તેમણે હિંમત કરીને બૂમો પાડવાનું શરૂ કર્યું હતું. પરિવારજનો પણ જાગી ગયા હતા અને હાકલા કરતાં સિંહ ત્યાંથી ભાગી ગયો હતો.
ભૂપતભાઈએ વધુમાં કહ્યું કે એક સિંહ ગયા બાદ થોડા સમય પછી બીજો સિંહ પણ જોવા મળ્યો હતો. જેના કારણે પરિવાર અને આસપાસના લોકોમાં વધુ ભય ફેલાયો હતો.
‘20થી 25 દિવસથી સિંહોની અવરજવર વધી છે’
ભૂપતભાઈના ભાઈએ જણાવ્યું હતું કે નાંદરખના આ વિસ્તારમાં છેલ્લા 20થી 25 દિવસથી સિંહોની અવરજવર વધારે જોવા મળી રહી છે. તેમણે કહ્યું કે એક દિવસ સવારે લગભગ 6 વાગ્યે પણ સિંહ જોવા મળ્યો હતો.
તેમણે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે જો સિંહો આ રીતે વાડી વિસ્તારમાં આવતા રહે તો લોકો ત્યાં રહે કેવી રીતે? વાડીઓમાં લોકોના ઘર છે અને પરિવાર સાથે રહેવું પડે છે. આવી સ્થિતિમાં બાળકોને એકલા બહાર મોકલવામાં પણ ડર લાગે છે.
પરિવારના સભ્યોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે વન વિભાગને સિંહોની અવરજવર અંગે જાણ કરવામાં આવે છે, પરંતુ યોગ્ય કાર્યવાહી થતી નથી. તેમના કહેવા પ્રમાણે, વન વિભાગ તરફથી ઘણી વખત એવું કહેવામાં આવે છે કે દીપડાને પકડવાની કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ સિંહને પકડવામાં આવતો નથી.
પાંચ દિવસ પહેલાં અજયસિંહ પર પણ સિંહે કર્યો હતો હુમલો
નાંદરખમાં સિંહના હુમલાની આ ઘટના પહેલાં માત્ર પાંચ દિવસ અગાઉ એક યુવાન પર પણ હુમલો થયો હતો. વાડીના મકાનની બાજુમાં આવેલી ઓરડીમાં અજયસિંહ ગોહિલ સૂતા હતા. તે દરમિયાન અચાનક સિંહ ત્યાં આવી પહોંચ્યો હતો અને તેમના પગના ભાગે નખ મારીને ઈજા પહોંચાડી હતી.
હુમલા બાદ પરિવારજનો દોડી આવ્યા હતા અને અજયસિંહને તાત્કાલિક ઉના સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
‘મારી બંને બાજુ બે સિંહ હતા’
અજયસિંહ ગોહિલે અગાઉ બનેલી ઘટનાને યાદ કરતાં જણાવ્યું હતું કે જ્યારે તેમના પર હુમલો થયો ત્યારે તેમની આસપાસ બે સિંહ હતા. તેમાંથી એકે તેમના પગ પર હુમલો કર્યો હતો.
અજયસિંહે કહ્યું કે હુમલા બાદ તેમણે જોરજોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં સિંહ પાછળ હટ્યો નહોતો, પરંતુ તેમણે સતત બૂમાબૂમ કરતાં આખરે સિંહ ત્યાંથી દૂર ગયો હતો.
અજયસિંહના જણાવ્યા પ્રમાણે, વાડી વિસ્તારમાં સિંહોની રંજાડના કારણે રોજિંદા જીવન પર પણ અસર પડી રહી છે. બાળકોને ઘરની બહાર મોકલવામાં માતા-પિતાને ડર લાગે છે. શાળાએ જવા-આવવામાં પણ મુશ્કેલી ઊભી થઈ છે. તેમણે માંગ કરી છે કે સિંહોની રંજાડમાંથી લોકોને રાહત મળે તે માટે તંત્રએ યોગ્ય પગલાં લેવા જોઈએ.
નાંદરખ વિસ્તારમાં પાંચ સિંહ રહેતા હોવાનો ગ્રામજનોનો દાવો
સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે, નાંદરખ વિસ્તારની આસપાસ આશરે પાંચ સિંહોની નિયમિત અવરજવર છે. ગ્રામજનોનું કહેવું છે કે આ સિંહો ખાસ કરીને રાત્રિના સમયે ગામ અને વાડી વિસ્તારોમાં ફરતા જોવા મળે છે.
કેટલાક સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે, દિવસ દરમિયાન પણ સિંહો વાડી વિસ્તારમાં આવેલા રહેણાક મકાનોની આસપાસ જોવા મળે છે. રસ્તા પર સિંહો બેસેલા હોવાની ઘટનાઓ પણ સામે આવતી હોવાનો ગ્રામજનોનો દાવો છે.
નિયમિત પેટ્રોલિંગની ગ્રામજનોની માંગ
સિંહોની સતત અવરજવર છતાં વન વિભાગ દ્વારા નિયમિત પેટ્રોલિંગ કરવામાં આવતું નથી એવો આક્ષેપ પણ ગ્રામજનો કરી રહ્યા છે. ઉત્તરવાડી વિસ્તારના રહેવાસીઓનું કહેવું છે કે જો સિંહો ઘરની આસપાસ સુધી આવી રહ્યા હોય તો વન વિભાગે વધુ સાવચેતી રાખવાની જરૂર છે.
ખાસ કરીને બાળકોની સુરક્ષાને લઈને પરિવારજનોમાં ચિંતા વધી છે. સિંહોની હાજરીને કારણે બાળકોને શાળાએ મોકલવામાં પણ પરિવારજનો ખચકાય છે. સાંજ પડ્યા બાદ વાડી વિસ્તારમાં આવન-જાવન કરવામાં પણ લોકો ડરે છે.
છ દિવસમાં સિંહના હુમલાની બે ઘટનાઓ સામે આવતા નાંદરખ અને આસપાસના વાડી વિસ્તારોમાં ચિંતા વધી છે. હવે સ્થાનિક લોકોની માંગ છે કે વન વિભાગ સિંહોની અવરજવર પર નજર રાખે, નિયમિત પેટ્રોલિંગ વધારે અને રહેણાક વિસ્તારોમાં લોકોની સુરક્ષા માટે જરૂરી પગલાં લે.