Home સૌરાષ્ટ્ર સમાચાર Rajkot: ગોંડલ હાઇવે પરથી 12 હજાર જિલેટિન સ્ટિક અને 4 હજાર ડિટોનેટર ઝડપાયા, ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી
સૌરાષ્ટ્ર સમાચાર

Rajkot: ગોંડલ હાઇવે પરથી 12 હજાર જિલેટિન સ્ટિક અને 4 હજાર ડિટોનેટર ઝડપાયા, ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી

Share this article WhatsApp Facebook Telegram
કોઠારિયા સોલ્વન્ટ પાસે બોલેરો પીકઅપમાંથી ગેરકાયદે વિસ્ફોટક સામગ્રી મળી

Rajkot: રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે રાજકોટ-ગોંડલ હાઇવે પર મોટી કાર્યવાહી કરીને ગેરકાયદેસર રીતે લઈ જવાતો વિસ્ફોટક સામગ્રીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. કોઠારિયા સોલ્વન્ટ નજીક શિવ હોટલ સામે પોલીસ ટીમે એક બોલેરો પીકઅપને રોકીને તપાસ કરતાં તેમાં મોટી માત્રામાં બ્લાસ્ટિંગ માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી મળી આવી હતી.

પોલીસે વાહનમાંથી 12,000 જિલેટિન સ્ટિક, આશરે 4,000 એક્સપ્લોઝિવ ડિટોનેટર અને બ્લાસ્ટિંગ કેબલના 30 બંડલ કબજે કર્યા છે. સમગ્ર મુદ્દામાલ સાથે બોલેરો ચાલક દોલા રઘુ મીરને પોલીસે ઝડપી લીધો છે. આટલી મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી એકસાથે મળી આવતાં સમગ્ર મામલો ગંભીર બન્યો છે.

બાતમીના આધારે પોલીસની વોચ

મળતી માહિતી મુજબ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, એક બોલેરો પીકઅપ ગાડીમાં ગેરકાયદે એક્સપ્લોઝિવનો જથ્થો ભરીને શાપર તરફથી રાજકોટ તરફ લાવવામાં આવી રહ્યો છે.

બાતમી મળ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ સમય બગાડ્યા વગર રાજકોટ-ગોંડલ હાઇવે પર કોઠારિયા સોલ્વન્ટ નજીક શિવ હોટલ સામે વોચ ગોઠવી હતી. પોલીસ ટીમે શંકાસ્પદ વાહનની રાહ જોવાનું શરૂ કર્યું હતું.

થોડા સમય બાદ બાતમીમાં જણાવાયેલી GJ 03 BV 1411 નંબરની બોલેરો પીકઅપ ત્યાંથી પસાર થઈ હતી. પોલીસે તરત જ વાહન અટકાવી તેની તપાસ હાથ ધરી હતી.

બાચકામાંથી મળી આવી બ્લાસ્ટિંગની સામગ્રી

પોલીસે બોલેરો પીકઅપની તપાસ કરતાં તેમાં રાખવામાં આવેલા બાચકા શંકાસ્પદ જણાયા હતા. બાચકા ખોલીને તપાસ કરતાં તેની અંદર બ્લાસ્ટિંગમાં ઉપયોગમાં લેવાતી જિલેટિન સ્ટિક, બ્લાસ્ટિંગ કેબલ અને એક્સપ્લોઝિવ ડિટોનેટર મળી આવ્યા હતા.

મામલો ગંભીર હોવાથી પોલીસે એફએસએલ અને બીડીડીએસની ટીમને પણ સ્થળ પર બોલાવી હતી. તેમની હાજરીમાં સામગ્રીની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આ સામગ્રી એક્સપ્લોઝિવને લગતી હોવાનું સામે આવ્યું હતું.

ત્યારબાદ પોલીસે બોલેરો ચાલક દોલા રઘુ મીરને કસ્ટડીમાં લીધો હતો અને વાહન સહિત તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો.

કુલ રૂ. 5.95 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસના જણાવ્યા મુજબ, આ કાર્યવાહીમાં આશરે 1,500 કિલો વજનની 12,000 જિલેટિન સ્ટિક મળી આવી હતી, જેની કિંમત અંદાજે રૂ. 2.40 લાખ હોવાનું જણાવાયું છે.

આ ઉપરાંત બ્લાસ્ટિંગ કેબલના 30 બંડલ, જેની કિંમત આશરે રૂ. 15 હજાર છે, તેમજ આશરે 4,000 એક્સપ્લોઝિવ ડિટોનેટર, જેની કિંમત લગભગ રૂ. 40 હજાર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

વાહન સહિત પોલીસે કુલ આશરે રૂ. 5.95 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

માણાવદરથી સામાન લાવવામાં આવ્યો હોવાની માહિતી

પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને આ મામલે કેટલાક મહત્વના નામો પણ મળ્યા હોવાનું જાણવા મળે છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઝડપાયેલો દોલા રઘુ મીર કથિત રીતે હિરા ઉર્ફે હિરેન વિઠ્ઠલ અલગોતર, જે જામવાડી, થાનગઢનો રહેવાસી હોવાનું જણાવાય છે, તેના કહેવાથી એક્સપ્લોઝિવનો સામાન લેવા માણાવદર ગયો હતો.

મળતી માહિતી પ્રમાણે ત્યાં મિતુલ નામના વ્યક્તિએ તેને આ સામાન ભરી આપ્યો હતો. જોકે આ સમગ્ર બાબતની સત્તાવાર હકીકત પોલીસની વધુ તપાસ બાદ સ્પષ્ટ થશે.

હાલ ક્રાઇમ બ્રાન્ચે કથિત સપ્લાયર અને આ સામાન કોને પહોંચાડવાનો હતો તે વ્યક્તિની શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચો: Amreli Leopard Attack: ધારીના જળજીવડી ગામમાં 8 વર્ષની બાળકી પર દીપડાનો હુમલો, ગ્રામજનોમાં ફફડાટ

ખાણ અને કૂવા ગાળવાના કામમાં ઉપયોગ થતો હોવાની આશંકા

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઝડપાયેલો એક્સપ્લોઝિવ સામાન સામાન્ય રીતે બ્લાસ્ટિંગના કામમાં ઉપયોગમાં લેવાય છે. ખાસ કરીને ખાણકામ અને કૂવા ગાળવા જેવી કામગીરીમાં આવા સામાનનો ઉપયોગ થતો હોવાનું જણાવાયું છે.

સુરેન્દ્રનગર પંથક સહિતના વિસ્તારોમાં ખાણકામ સાથે જોડાયેલી કામગીરીમાં બ્લાસ્ટિંગની જરૂરિયાત રહેતી હોય છે. જોકે જરૂરી મંજૂરી અને સલામતીના નિયમો વિના આવા વિસ્ફોટક સામાનની હેરાફેરી કરવી ગંભીર બાબત છે. આવા સામાનને બેદરકારીપૂર્વક લઈ જવાથી રસ્તા પરના લોકો તેમજ આસપાસના વિસ્તારોની સુરક્ષા સામે પણ જોખમ ઊભું થઈ શકે છે.

પોલીસને શંકા છે કે, ગેરકાયદે ખાણકામ અથવા બ્લાસ્ટિંગની કામગીરી માટે આ જથ્થાની હેરાફેરી કરવામાં આવી રહી હોઈ શકે છે. જોકે તેનો ચોક્કસ ઉપયોગ ક્યાં થવાનો હતો તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો: Ukai Kakrapar Multipurpose Project: દક્ષિણ ગુજરાતની ખેતી, વીજળી અને પાણીનો મુખ્ય આધાર

Related News