Home દક્ષિણ ગુજરાત સમાચાર Surat News: સુરતમાં 30 લાખના MD ડ્રગ્સ સાથે એર હોસ્ટેસ ઝડપાઈ, ડ્રગ્સ છુપાવવાની મોડસ ઓપરેન્ડીથી પોલીસ પણ ચોંકી!
દક્ષિણ ગુજરાત સમાચાર

Surat News: સુરતમાં 30 લાખના MD ડ્રગ્સ સાથે એર હોસ્ટેસ ઝડપાઈ, ડ્રગ્સ છુપાવવાની મોડસ ઓપરેન્ડીથી પોલીસ પણ ચોંકી!

Share this article WhatsApp Facebook Telegram

Surat News: સુરતમાં ડ્રગ્સની હેરાફેરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરત ડીસીબી અને સુરત રૂરલ પોલીસની એસઓજીની ટીમે પલસાણા તાલુકાના એના ગામ નજીક મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવેના ટોલ નાકા પરથી એક મહિલા સહિત બે લોકોને ઝડપી પાડ્યા છે. પોલીસે કારની તલાશી લેતા અંદાજે એક કિલો MD ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની કિંમત આશરે રૂ.30 લાખ હોવાનું સામે આવ્યું છે.

પોલીસના જણાવ્યા મુજબ, આ ડ્રગ્સ નાના બાળકોના ડાયપરમાં છુપાવીને લઈ જવાતું હતું. તપાસ દરમિયાન સામે આવેલી આ રીતથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપીઓ અમદાવાદથી MD ડ્રગ્સનો જથ્થો લઈને મુંબઈ તરફ જઈ રહ્યા હોવાની માહિતી પોલીસને મળી હતી.

બાતમીના આધારે પોલીસે ગોઠવી હતી વોચ

સુરત ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે માનસી નામની એક મહિલા મોટી માત્રામાં MD ડ્રગ્સ લઈને કારમાં અમદાવાદથી મુંબઈ તરફ જવાની છે. આ માહિતીના આધારે ડીસીબીની ટીમે સુરત રૂરલ પોલીસની એસઓજી સાથે મળીને પલસાણા તાલુકાના એના ગામ ખાતે આવેલા એક્સપ્રેસ હાઈવેના ટોલ નાકા પર વોચ ગોઠવી હતી.

બાતમીમાં જણાવાયેલી કાર ટોલ નાકા નજીક આવતા પોલીસે તેને રોકી હતી. ત્યારબાદ કારની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન બાળકોના ડાયપરમાં છુપાવીને રાખવામાં આવેલો અંદાજે એક કિલો MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે 41 વર્ષીય માનસી અને 20 વર્ષીય સોહેલ સુલેમાન શેખની ધરપકડ કરી હતી. તેમની પાસેથી આશરે રૂ.30 લાખની કિંમતનું એક કિલો MD ડ્રગ્સ, મોબાઈલ ફોન અને કાર કબજે કરવામાં આવી છે.

મુંબઈમાં કોને ડ્રગ્સ પહોંચાડવાનું હતું?

પોલીસની તપાસ હવે આ દિશામાં આગળ વધી રહી છે કે અમદાવાદથી આ ડ્રગ્સનો જથ્થો લઈને બંને આરોપીઓ મુંબઈમાં કોને પહોંચાડવા જઈ રહ્યા હતા. આ સાથે ડ્રગ્સનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને આ સમગ્ર નેટવર્કમાં અન્ય કોણ લોકો જોડાયેલા છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

પ્રાથમિક પૂછપરછમાં માનસીએ પોલીસને જણાવ્યું હોવાનું સામે આવ્યું છે કે વડોદરાથી એક મહિલાએ તેને આ ડ્રગ્સનો જથ્થો આપ્યો હતો. જોકે, આ માહિતીની પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

10 વર્ષથી MD ડ્રગ્સની લત હોવાનો ખુલાસો

પોલીસના જણાવ્યા મુજબ, માનસી લાંબા સમયથી આ ગેરકાયદે ધંધા સાથે જોડાયેલી હોવાની શંકા છે. તે અગાઉ પણ MD ડ્રગ્સના કેસમાં ઝડપાઈ ચૂકી છે. પૂછપરછ દરમિયાન તે છેલ્લા 10 વર્ષથી MD ડ્રગ્સની લત ધરાવતી હોવાનું સામે આવ્યું હોવાનું પોલીસનું કહેવું છે.

વર્ષ 2021માં ઈન્દોર ક્રાઈમ બ્રાંચે પણ માનસીને MD ડ્રગ્સ સાથે ઝડપી પાડી હતી. આ કેસમાં તે આશરે ચાર વર્ષ સુધી જેલમાં રહી હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે, માનસી અગાઉ પણ નાના બાળકોના ડાયપરમાં MD ડ્રગ્સ છુપાવીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતી હોવાની માહિતી મળી છે. ડ્રગ્સની હેરાફેરી માટે આ પ્રકારની રીતનો ઉપયોગ કરવામાં આવતો હોવાના કારણે તપાસ એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે.

આ પણ વાંચો: Valsad News: ઉદવાડા ગ્રામ પંચાયતમાં ACBનો સપાટો, સરપંચ-ઉપસરપંચ સહિત 3 સામે લાંચનો કેસ

સ્ટેજ આર્ટિસ્ટ તરીકે પણ કામ કરી ચૂકી છે

આ કેસમાં ઝડપાયેલી માનસીનો ભૂતકાળ પણ પોલીસ તપાસમાં સામે આવ્યો છે. તે હરિયાણા, પંજાબ અને દિલ્હીમાં યોજાતા સ્ટેજ શોમાં આર્ટિસ્ટ તરીકે કામ કરી ચૂકી હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત માનસીએ મલેશિયન એરલાઈન્સમાં એર હોસ્ટેસ તરીકે પણ નોકરી કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. એક સમયે એરલાઈન્સમાં કામ કરનાર મહિલાનું નામ હવે MD ડ્રગ્સની હેરાફેરીના કેસમાં સામે આવતા આ મામલો ચર્ચામાં આવ્યો છે.

હાલમાં પોલીસ સમગ્ર કેસની વધુ તપાસ કરી રહી છે. ખાસ કરીને ડ્રગ્સનો જથ્થો કોના કહેવાથી લાવવામાં આવ્યો હતો, વડોદરાથી જથ્થો આપનાર મહિલા કોણ છે અને મુંબઈમાં આ ડ્રગ્સ કોને પહોંચાડવાનું હતું તે અંગે પોલીસ માહિતી એકત્ર કરી રહી છે.

સુરત પોલીસ હવે આ કેસના તાર અન્ય લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે. તપાસ આગળ વધશે તેમ ડ્રગ્સની હેરાફેરી સાથે સંકળાયેલા વધુ નામો સામે આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: Surat PSI Service Revolver Misfire: સુરતમાં PSIની સર્વિસ રિવોલ્વરથી મિસ ફાયરિંગ, યુવકના પેટમાં વાગી ગોળી

Related News